કેયુરના લગ્ન અને નર્મદામાં ધુબાકા!

કોલેજ હોસ્ટેલના મિત્રમંડળમાંથી ખાસ એવા કેયુરના લગ્ન ૨જી તારીખે હતા. લગ્ન રાજપીપળા જીલ્લાના સિસોદરા ગામે હતા. લાગતું નહોતું કે જવાશે પણ અચાનક જ બધું બરાબર ગોઠવાઇ ગયું. ૧લી મે તો જાહેર રજા હતી. ૨-૩ મેની રજા લઇ લીધી. માં-દિકરો ને હું. અમે ત્રણેય જણા સવારે પૂનાથી ૦૯:૦૦ વાગ્યે જીપમાં નીકળી ગયા. જીપમાં આ વખતે તડકો ઘણો લાગ્યો. લગભગ બપોરે ૦૩:૦૦ વાગ્યે પારડી પહોંચી ગયા. પારડી નિરાંતે બધા સાથે જમ્યા. લગભગ કલાકેક પછી ૦૪:૦૦ વાગ્યે હું એકલો સિસોદરા તરફ આગળ નીકળી પડયો.

બાકીની ગેંગ તો ક્યારની મુકામે પહોંચી ચુકી હતી. પારડી-વલસાડ-નવસારી-સુરત-અંક્લેશ્વર સુધી રસ્તો જાણીતો હતો એટલે ફટાફટ અંક્લેશ્વર આવી ગયું. અંક્લેશ્વર આગળ રસ્તાની તપાસ કરી. આગળ અંક્લેશ્વર-ઝઘડીયા-રાજપારડી-ઉમલ્લા-પ્રતાપનગર-આમલેથા-સજવા થઇને સિસોદરા પહોંચવાનુ હતું. રાજપારડી ડીઝલ પુરાવ્યું. સાંજ પડી ગઈ હતી અને ખોટા રસ્તે ના ચડી જવાય એટલે પ્રતાપનગર આગળ રસ્તો પુછવા ઉભો રહ્યો. નાનપણથી ઉપલેટા નામ સાંભળેલું એટલે તેને અનુકૂળ થવા પ્રબુદ્ધ મગજે આમલેથા નું કરી નાખ્યું અમલેટા. હવે પ્રતાપનગર ચોકમાં બધા ગુંચવાણા કે આ અમલેટા આવ્યું ક્યા? પછી એક સજ્જનને ચમકારો થયો અને બોલ્યા –

આમને તો આમલેથા જાવુ છે આમલેથા! ફોરેનથી આયા લાગે છે એટલે આમલેથાને અમલેટા કહે છે. 🙂

શિનોર તથા સિસોદરા વચ્ચે વહેતી નર્મદાનો સેટેલાઇટ વ્યુ.

પછી આગળ ક્યાંય રોકાયા વગર સાંજના ૦૭:૩૦ વાગ્યે સિસોદરા પહોંચી ગયો. સિસોદરા ગામ એકદમ નર્મદા કાંઠે આવેલું છે. ગામના પાદરે જ નર્મદા વહેતી જાય. સામે કાંઠે શિનોર ગામ છે અને બન્ને ગામ વચ્ચેનો વ્યવહાર હોડકાથી (ગોવારીકરની “સ્વદેશ” જેવો જ) ચાલે છે.  અમારો ઉતારો ગામ બહાર કેળના ખેતરે હતો. ઘણા દિવસે બધા ભેગા થયા હતા એટલે ૨-૩ કલાક તો ગપાટા જ હાલ્યા. ખેતરમાં પાણી વાળવાનો કૂવો હતો. રાતે ૧૧:૦૦ વાગ્યે પાણી આવ્યું. બીજુ શું જોઇએ! અમે મુસાફરીનો થાક ઉતારવા કૂવાના પાણીથી જ ઉતાર્યો.

ફાર્મહાઉસમાંથી દેખાતી કેળ.

લગ્નદિવસ. ગામમાં બધા જાન ઉપાડવાની તૈયારીમાં પડી ગયા હતા. અમારે તો કોઇ કામ ધંધો હતો નહિ એટલે મોડા ઉઠ્યા. હવે પછી એક જ કામ હતું. નર્મદાસ્નાન. જેમ કુંભમેળામાં અઘોરીના સંઘો ગંગામાં શાહીસ્નાન માટે ઉતરે તેમ અમારી ગેંગ પણ ફાજલસ્નાન માટે ઉતરી પડી. પાણી ગોઠણીયું અને એકદમ સાફ હતું. અમે લગભગ ૨-૩ કલાક અલક-મલકની વાતો કરતા નદીમાં જ કાઢ્યા.

ક્યાંથી ધુબાકો મારવો એ નક્કી કરતી ગેંગ!
નર્મદાના ચોખ્ખા નીર અને શિનોરનો રમણીય કાંઠો.

પછી થયુ કે લગ્નમાં સમયે પહોંચવું સારુ. પાછા ગામે આવ્યા. કેયુર પાસે ગયા. થોડોક પાનો ચડાવ્યો. ફોટા પાડ્યા અને અમે પોર(લગ્ન સ્થળ) તરફ નીકળી ગયા. લગ્ન સરસ થયા. સાંજે લગભગ ૦૮:૩૦ વાગ્યે હું અને દીક્ષિત અમદાવાદ તરફ નીકળી ગયા.

જુનીઅર અને તેનો ઘોડીયાગ્રહ

જુનીઅરનો જન્મ પારડીમાં દાદાના ઘરે થયો અને લગભગ અત્યાર સુધી ત્યાં જ રહ્યો છે. દાદાના ઘરે તો ઘોડિયું પહેલે થી જ હતું (એના પપ્પાનું જ હોય ને!). હવે માં-દીકરો થોડાક સમય માટે પૂના આવવાના હતા. પૂના ઘોડિયું હતું નહિ અને અમને ઘોડિયામાં  હિચક્યા વગર નીંદર આવે નહિ એટલે જુનીઅરના બા-દાદા હોંશે હોંશે નવું ફોલ્ડીંગ ઘોડિયું લઈ આવ્યા. ઘોડિયું સ્ટીલના પાઈપનું બનેલું અને પાઈપ ફોલ્ડ કરતા કદમાં એકદમ નાનું થઇ જાય. ફોલ્ડીંગ એટલા માટે કે આવતા એકાદ વર્ષમાં માં-દીકરો ઘણી મુસાફરી કરવાના છે. ફોલ્ડીંગ હોય તો સાથે લઇ જવામાં સરળતા રહે.

હવે અમે પ્રથમ વખત “નવા ફોલ્ડીંગ ઘોડિયા” સાથે પૂના આવ્યા ૧૭ ફેબ્રુઆરીએ. કારણ હતું નવા ઘરે સમાન ફેરવવાનું. માં-દીકરો લગભગ દસ દિવસ પૂના રોકાયા. પહેલા દિવસથી જ જુનીઅરે ઘોડિયામાં ઊંઘવામાં આનાકાની કરવા માંડી. અમને લાગ્યું કે નવી જગ્યા છે, પારડી ઘરે ઘણા બધા હોય અને અહિયાં એકલો પડી ગયો છે એટલે આવું કરતો હશે. પણ તેનો જુનવાણી ઘોડિયા માટેનો આગ્રહ આવનારા દસ દિવસ સુધી ચાલુ રહ્યો. અમે ઘર ફેરવવાની માથાકૂટમાં પડ્યા હતા એટલે બહુ ધ્યાન નાં આપ્યું અને વળી પાછું એમ પણ હતું કે દસ દિવસમાં તો પાછા પારડી ભેગા થઇ જશું એટલે બધું પાછું રાબેતામુજબ થઇ જશે. ૧લિ માર્ચે અમે પાછા પારડી જતા રહ્યા.

કૈંક આવુ જ હતુ ફોલ્ડીંગ ઘોડીયું / પારણું

ભગ દોઢેક મહિના પછી ૨૧ એપ્રિલે અમે ત્રણેય ફરી પાછા પૂના આવ્યા. આ વખતે લગભગ મહિનો રોકાવાનું હતું. ફોલ્ડીંગ ઘોડીયું પણ સાથે આવ્યુ હતું. જેમ જેમ દિવસ પસાર થતા ગયા તેમ તેમ ખબર પડી કે જુનીઅરને ફોલ્ડીંગ ઘોડિયા સાથે વાંધો હતો. હવે આ સ્ટીલ પાઇપની બનેલી વસ્તુ ઘોડીયું તો હતી જ નહી. સારા શબ્દોમાં તેને પારણું કહી શકાય. અને પારણામાં હિંચકા ના હોય, એમાં તો ધીમે-ધીમે ઝુલવાનું જ હોય. અને અમને તો ખોયામાં મોટા-મોટા હિંચકા ખાધા પછી જ નીંદર આવે. એટલે અમે પારણાને ઝુલાવવાને બદલે હીંચોળવાનું ચાલુ કર્યુ. પારણાને આ વાતનું બહુ ખોટું લાગ્યુ. મારું આવુ ઘોર અપમાન! મારો ઘોડિયાની જેમ ઉપયોગ કર્યો? અને તે સાથે જ પારણાએ ચીચુડ-ચીચુડ અવાજ ચાલુ કરી દીધો. અમે તેલ આંજ્યુ, આંકડામાં રૂ ભરાવ્યું પણ કોઇ રીતે અવાજ ના ગયો. હવે આ અવાજ સાથે જુનિઅરને નિંદર આવે એ વાતમાં માલ નહિ. શ્રીમતીજીને આ ચીચુડ-ચીચુડ અવાજવાળી પોઢણ-પ્રક્રીયામાં મથતા જોઇ મેઘાણીસાહેબનું હાલરડું યાદ આવી જાયઃ

બાળુડાને માત હીંચોળે, ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે, માતા જીજાબાઇ ઝુલાવે.

હવે આ કાઇં શિવાજી નો’તા, ને ઓલા કાઇં જીજાબાઇ નથી. એટલે ૩-૪ દિવસમાં બધા થાકી ગયા. અને પૂનામાં ઘોડીયું ગોતવાના પ્રયત્નો શરૂ થયા. બહુ મથ્યા પણ પેઠ વિસ્તાર સિવાય ક્યાય મેળ ખાય તેમ ન હતો. અને પેઠ વિસ્તાર સુધી પોલિસને હાથતાળી આપ્યા વગર GJ નંબરવાળી જીપ લઇ જવી લગભગ અશક્ય હતુ. આટલી માથાકૂટ પછી પણ ત્યાં ઘોડીયું મળે જ એવુ નક્કી નહિ. આ બધા વિચારોમાં કોણ જાણે ક્યાંથી પણ OLX/Quikrમાં તપાસ કરવાનો idea આવ્યો.

અને ઘોર ઉનાળામાં મેહ વરસી પડ્યા. પૂનામાં એક ભાઇ પાસે નવુ-નકોર માત્ર દસેક દિવસ જુનુ ઘોડીયું હતું. મને બધુ ઠીક લાગતા મેં સજ્જનના નામ-સરનામા માગ્યા. અને બીજો ધડાકો – સજ્જન દક્ષીણ ભારતીય હતા. હવે આ અન્ના પાસે ગુજરાતી ઘોડીયું આવ્યું કયાંથી જેવા પ્રશ્નો સાથે અમે તેમના ઘરે પહોંચ્યા. વાતો-વાતોમાં ખબર પડીકે, સજ્જનના પિતાજી વલસાડમાં સરકારી અફસર છે અને દક્ષીણ ભારતીય રીવાજ અનુસાર બાળક જન્મ પછી દાદાના ઘરે જાય. એટલે તેમણે વલસાડમાં જ ઘોડીયું તૈયાર રાખેલું. વળતા તેઓ ઘોડિયું પૂના લેતા આવ્યા. હવે પારણાની ટેવાયેલી બેબીને ઘોડીયું ફાવ્યું નહિ! આપણાથી એકદમ ઉંધો કેસ! ખેર અમને ઘોડીયું ગમ્યું અને અમે તે લઇ લીધું.

આ રહ્યું નવું ઘોડીયું!

મજાની વાત એ કે વલસાડથી પારડી થાય માત્ર ૧૫ કીમી! યોગાનુયોગ જુઓ કે પારડીથી માત્ર ૧૫ કીમી દૂર અપાયેલું ઘોડીયું અમે પૂના ૧૫ કીમી દૂર જાઇને લીધુ! અને હા, જુનીઅરને ઘોડીયામાં હીંચકવાની મજા આવે છે અને ખોયામાં ગરતાવેંત નીંદર પણ આવી જાય છે.