જ્યારે માતેલું ઘેટું તમારી સાથે અથડાય…

જ્યારે પણ વાહન અકસ્માત થાય ત્યારે અંગ્રેજી છાપાવાળા આ વાક્યનો ઉપયોગ અચુક કરે જ!

Car rams into median, kills 2, injures one.

વાક્ય બહુ સરળ છે. એ સમજવું આસાન છે કે અથડાવાની પ્રક્રીયા માટે શબ્દ “ram” વપરાયો છે. શબ્દનો ગુજરાતીમાં ઉચ્ચાર “રામ“, “રેમ” કે “રમ” નથી થતો. શુદ્ધ ગુજરાતીમાં ઉચ્ચાર “રૅમ” થાય. રૅમ શબ્દનો ક્રીયાપદ તરીકેનો ઉપયોગ તો આપણે જોયો. પરંતુ આ ક્રીયાપદ એજ શબ્દના નામ/નાઉન ઉપરથી પ્રચલીત થયો છે.

રૅમ(નાઉન) એટલે એક ખાસ પ્રકારનું ઘેટું. હવે આ ખાસ પ્રકારના ઘેટાને કેમ સમજાવવો? જેમ ગાય/બળદમાં સાંઢ હોય, તેમ ઘેટામાં રૅમ હોય!

સાંઢની બુલફાઇટમાં ગાંડી દોટ બધાએ જોઇ જ હશે. એ ગાંડપણ લાવવા માટે ઘણા ઉપાયો કરવામાં આવે છે. જેમ કે લાલ વસ્ત્ર, મેદાન બહાર કોલાહલ અને લાંબા સમયનું બંધન. ગાંડપણની બાબતમાં રૅમ બીજા બધાને પાછળ રાખી દે, કોઇ ઉપાય કે પ્રલોભનની જરૂર નથી હોતી. બસ એતો ગમે ત્યારે આવી જાય. વ્યવસ્થીત શબ્દોમાં કહીયે તો, જ્યારે ઘેટું ગાડરીયો પ્રવાહ છોડી લક્ષ્ય તરફ આંધળી દોટ મુકે, ત્યારે એ દોટનું અંગ્રેજીમાં ક્રીયાપદ “To Ram” થી વર્ણન કરવામાં આવે છે.

વીડીઓમાં જુઓ કે આ ન્યુઝીલેન્ડના ભાઇ જંગલમાં offroad biking કરવા નીકળ્યા હતા અને રૅમ ભટકાણું. અંગ્રેજીમાં કહિયે તો…

Ram rams into the bike, injures none.

.

.

રમુજ – સાંઢ કેવો પંસંદ કરવો? ગુજરાતી-લેક્સીકોને ખરેખર ઘણું સંદર્ભમાં સમજાવ્યુ છે. અહીં જુઓ!

Novel Review : The Almond Tree

એક હતી વાર્તા! આટલા શબ્દો સાંભળતા જ બાળપણ યાદ આવી જાય. બાળપણમાં જ લઇ જાય તેવી જ સરળ ગુજરાતીમાં મારા એક અંગત-મિત્ર ઉજ્વલે અંગ્રેજી નવલકથાના રીવ્યુ માટે બ્લોગ શરૂ કર્યો છે. આ બ્લોગ શું કામ વાંચવો? એમાં સમુદ્રમંથન સાથે અમ્રુત નીકળવાની બાંહેધરી છે. નવલકથા વાંચવી એ મારા માટે સમુદ્રમંથન કરવા બરાબર છે. આ સમુદ્રમંથન કર્યા પછી અમ્રુત નીકળે તેની કોઇ બાંહેધરી નહી. ભૂતકાળમાં મેં ૨-૩ પ્રયત્નો કરેલા પણ અમ્રુત તો દુર, છીપલા પણ ના નીકળ્યા. બસ ત્યારથી આપણે એ ધંધો બંધ કર્યો. હવે એવી કોઇ બીક નથી. લાગે છે પાછ મરજીવા બનવું પડશે!

સાઇકલ પાર્કીંગઃ આપણી ઉપેક્ષા ને વલંદાઓની કુશળતા

અહીયાં અમદાવાદની ઓફીસમાં બે જગ્યાએ વાહન પાર્ક કરી શકાય. એક તો ઓફિસના ખાનગી રસ્તાની બાજુમાં અને બીજુ ભોંયતળીયે. બન્નેમાં સ્કૂટર તથા ગાડીઓ માટે નિર્ધારીત જગ્યા છે. સાઇકલનાં પાર્કીંગ માટે ક્યાંય નિર્ધારીત જગ્યા નથી. (એમા કાંઇ નવીન નથી!) આમતો બે બળીયા વચ્ચે જેમ એક નબળો દબાય તેમ સ્કૂટર વચ્ચે સાઇકલ મુકવાની પરંપરાને મે અહીયા પણ જોઇ.

હવે વરસાદ ચાલુ થતા પાર્કીંગ ભોંયતળીયામાં કરવાની જરૂર પડી. પ્રથમ દિવસે મેં ભોંયતળીયામાં એક જગ્યાએ ૨-૩ સાઇકલ રાખેલી જોઇ. મનમાં થયું, યસ! આ તો આપણી જગ્યા. નજીક પહોંચતા જ મારી અલગ સાઇકલ પાર્કીંગની આશા ઉપર પાણી ફરી ગયું. ભોંયતળીયામાં કોઇ જાતનું રેસ્ટ-રૂમ/બાથરૂમ/મુતરડી ના હોવાથી સાઇકલવાળી જગ્યાનો છુટથી ઉપયોગ કરવામાં આવતો હતો. બીજો કોઇ ઉપાય ના રહેતા, મેં સાઇકલ સ્કૂટરની લાઇનમાં મુકી દીધી. મારું આ દુઃસાહસ ઉપર ચોકીદારને ના ગમ્યું. ને પછી થયો આ સંવાદઃ

ચોકીદાર- તમે સાઇકલ અહીં ના મુકી શકો.
હું- કેમ?
ચોકીદાર- આ જ્ગ્યા સ્કૂટરની છે. સાઇકલને ત્યાં તેની જગ્યાએ જ રાખો.
હું- ત્યાં ક્યાંય એવુ નથી લખ્યું કે એ સાઇકલની જગ્યા છે.
ચોકીદાર- પણ અમારે માટે તો એ જ છે.

પછી મેં કેમ સાઇકલ સારી જગ્યાએ પાર્ક કરી એ મહત્વનું નથી. જોગાનુજોગ જુઓ કે મને એક્દમ આ જ પરીસ્થિતી ઉપર બેક્કાનું કાર્ટુન મળ્યું.

Bekka

અને અહીયાં જુઓ કેમ આયોજન કરાય સાઇકલ પાર્કીંગ વ્યવસ્થાનું! ડચ (વલંદા) વગર કોણ બીજુ એ કરી શકે!