બેક ટુ મેમરી-લેન!

વાત હશે સાલ ૨૦૧૦ની. ત્યારે અમે ત્રણને બદલે બે જ હતા. મહારાષ્ટ્રમાં ગણેશજી ઉપર બધાને બહુ આસ્થા. અષ્ટવિનાયક તરીકે ઓળખાતા ગણેશજીના આઠ મંદિર અહીં બહુ પ્રખ્યાત છે. જેમ ભોળાનાથના ૧૨ જ્યોતિર્લીંગ તેમ ગણેશજીના અષ્ટવિનાયક. મજાની વાત એ કે બધા મંદિર પૂનાની ફરતે ૯૦ કીમીની ત્રિજયામાં આવેલા છે. ત્યારે ગાડી નહોતી એટલે બધાના દર્શન એક સાથે કરવા શક્ય નહોતા. અમે રસ્તો કાઢ્યો. મોટરસાઇકલ ઉપર જવું અને એક ટ્રીપમાં બે જ મંદિરનો સમાવેશ કરવો. આ રીતે અમે બે-બેની જોડીમાં ૬ મંદિરના દર્શન કર્યા

૧. પૂના – મોરગાંવ (મયુરેશ્વર) – સિધ્ધટેક (સિધ્ધીવિનાયક) – પૂના = ૨૬૫ કીમી
૨. પૂના – લેણ્યાદ્રી (ગીરીજાત્મજ) – ઓઝર (વિઘ્નહર) – પૂના = ૧૯૧ કીમી
૩. પૂના – થેઉર (ચિંતામણી) – રાંજણગાંવ (મહાગણપતી) – પૂના = ૧૪૪ કીમી

અષ્ટવિનાયક સ્થાનકનો નકશો.

હવે છેલ્લા બે મંદિર બાકી રહ્યા. ત્રણ સફળ ટ્રીપ પછી અમારો આત્મવિશ્વાસ પણ વધી ગયો હતો. આ વખતે અમે થોડુક સાહસવાળું આયોજન કર્યું. છેલ્લા બે મંદિર પશ્ચિમઘાટમાં હોવાથી મંદિર સાથે મહાબળેશ્વર તથા પંચગની પણ જોતા આવવાનું નક્કી કર્યું. ૩દિ’ની ટ્રીપની રૂપરેખા આ મુજબ હતીઃ

દિવસ ૧: પૂના – મહડ (વરદવિનાયક) – પાલી (બલ્લાળેશ્વર) – મહાબળેશ્વર = ૨૪૮ કીમી
દિવસ ૨: મહાબળેશ્વર – પંચગની – મહાબળેશ્વર = ૭૦ કીમી
દિવસ ૩: મહાબળેશ્વર – પૂના = ૧૩૨ કીમી

૨૦૧૦માં કરેલી ટ્રીપનો નકશો.

આખી ટ્રીપ નક્કી કર્યા મુજબ જ પુરી થઇ. ખુબ મજા આવી. ઘણી યાદ રહી જાય તેવી પળ, ક્ષણ અને પ્રસંગ બન્યા. પણ આ બધામાં મેપ્રો ગાર્ડનનો અનુભવ સૌથી વધારે યાદ રહેશે. થયું એવું કે બીજા દિવસે અમે મહાબળેશ્વર-પંચગનીમાં ઘણુ રખડ્યા. રખડી-રખડીને થાક્યા અને ભુખ્યા પણ થયા. રસ્તામાં મેપ્રો ગાર્ડન આવ્યું એટલે શરબત/જામ/કોર્ડીયલ લેવા ઉભા રહ્યા. અમને ખ્યાલ નહોતો કે મેપ્રો ગાર્ડનમાં નાનું રેસ્તરાં પણ છે. ભુખ્યા તો હતા જ એટલે અમારે તો ભાવતું ‘તુ ને વૈદે કીધા જેવું થયું. જમ્બો સાઇઝ વેજ સેન્ડવીચ અને ફ્રેશ ક્રીમ વીથ સ્ટ્રોબેરી ઘડીકમાં ઝાપટી ગયા. આહા… આ અનુભવને “દિવ્ય” કક્ષાનો ગણી શકાય. અસ્તુ.

******

પાછા ૨૦૧૩માં મૂળ વાત પર આવીએ. આ ટ્રીપ પછીથી જ્યારે પણ સેન્ડવીચ ખાધી છે ત્યારે અમે બન્ને ચોક્ક્સ બોલ્યા હશું કે “મેપ્રો જેવી મજા ના આવી!“. હવે જ્યારે પૂનામાં છેલ્લા દિવસો બાકી હતા ત્યારે અમે એ કેમ પસાર કરવા તે વિચારવામાં પડ્યા. અને બન્નેની પહેલી પ્રતિક્રીયાઃ “ચાલો મેપ્રો જાતા આવીએ!” આ વખતે તો ઇઓન હતી એટલે બીજી કાઇં ચીંતા હતી નહી. સુલભ-સુમિતને સાથે લઈ જવાનું નક્કી કર્યું. ઝાઝુ કાઇં નહોતુ કરવાનું, સીધુ મેપ્રો ગાર્ડન પહોંચવાનું, સેન્ડવીચ + સ્ટ્રોબેરી ઉપર તુટી પડવાનું, કલાકેક વાગોળવાનું અને પાછા ઘર ભેગા થાવાનું.

માંઢરદેવી ઘાટ જે અજાણતા જ પાર કર્યો. Credit – Deepak Dongre.

અઢી કલાકનો રસ્તો હતો. ૧૧-મે સવારે ૦૮:૩૦ વાગ્યે અમે પાંચેય નીકળી ગયા. કલાકેક બરાબર ચાલ્યા અને ખાંબત્કીઘાટમાં ટ્રાફીક-જામ મળ્યો. સામેથી આવતા વાહનોનું કહેવુ હતું કે ૫-૬ કલાક તો લાગી જાશે. હવે? ગૂગલ મૅપ જીંદાબાદ! વાયા ભોર-માંઢરદેવી ઘાટ થઇને આગળ વધી શકાય. રસ્તો લાંબો પડે, પણ જામમાં ખાલી ઉભા રહેવા કરતા કૈંક નવુ જોવુ સારુ. અને ખરેખર એમ જ થયું. માંઢરદેવી ઘાટની સુંદરતાએ અમારા બધાની બોલતી બંધ કરી દીધી. ભરઉનાળામાં આટલી મજા આવી તો ચોમાસામાં કેટલી આવે?

૫-૬ કલાક ઘાટમાં રખડ્યા પછી રંગ ગમે તે હોય, મીઠો તો લાગે જ!
ફ્રેશ ક્રીમ વીથ સ્ટ્રોબેરીઝ્…

અમે અઢી ને બદલે પાંચ કલાકે પહોંચ્યા. સુલભ-સુમિત પ્રથમ વખત આવ્યા એટલે તેમણે ગાર્ડનમાં થોડા આંટા માર્યા. અમે તો એક જ ટેબલ-કમ-બાંકડા ઉપર ખીણ જોતા-જોતા ૩ વર્ષ પહેલાની વાતો તાજી કરી. જુનીઅરે બધા સાથે ખુબ ધમાલ કરી. જુનીઅરે આમતો પૂના-વાપી મુસાફરી તો ઘણી વાર કરી છે પણ આ તેની સૌપ્રથમ “ઓફીશીયલ” ફરવાની ટ્રીપ હતી. બધા જમ્યા અને લગભગ પાંચ વાગ્યે પાછા જવા નીકળી ગયા. વળતી વખતે વાઇમાં બધાએ શેરડીનો રસ પીધો અને અમે ત્રણ ભાઇબંધોએ ટ્રીપની યાદગીરીરૂપ ફોટો પડાવ્યો.

ટુંકમાં ગયા હતા જુની વાતો તાજી કરવા અને એના કરતા પણ વધારે વાતોનું પોટલું પાછુ બાંધતા આવ્યા!

અને છેલ્લે મેપ્રોગાર્ડનની એક ઝલક!