બે દિ’, ૮૦૦કિમી, મોસાળ અને બાધા

૦૯-માર્ચ-૨૦૧૩, શનિવાર: વાપી સવારે ૦૪:૩૦ વાગ્યે ઘરે પહોંચ્યો. બે દિવસ પહેલાથી જ ઘરે મોસાળથી મારા બંને મામા, બંને મામી તથા બે દીકરીઓ જુનીઅરને “રમાડવા” આવેલ હતા. અને મને મળી વહેલી સવારે તેમનું પાછા નીકળવાનું નક્કી હતું. પણ થયું એવું કે મોટા મામાને અચાનક જ આગલી રાતે પાછા જવું પડ્યું. બાકીના બધા મને મળવાની વાતે રોકાઈ ગયા. સવારે લગભગ ૦૮:૦૦ વાગ્યે તેઓ વાપી થી ધંધુકા કઈ બસમાં પાછા જાશે તે નક્કી કરવામાં અમે પડી ગયા. ૦૯:૦૦ વાગ્યે ની કોઈ બસ નું નક્કી થયું. બસ વલસાડથી હતી એટલે મેં તેમને બસ સ્ટેન્ડ સુધી પહોચાડવા જીપ (ચેતક) બહાર કાઢવાની તૈયારી કરી.  એટલામાં દાદા નીચે આવ્યા. તેમને ખ્યાલ નહોતો કે મોટા મામા તો ગઈકાલે જ નીકળી ગયા હતા. બધી વાત સાંભળ્યા પછી તેમણે કહ્યું:

વહુ-દીકરી સાથે એસટીમાં પાછા જાય એ ઠીક નહિ. જાઓ, એકાદ જણા બધાને ગાડીમાં મુકતા આવો.

હવે અચાનક બધા સમીકરણો ફરી ગયા. મામાએ વિવેક પૂર્વક નાં પાડી. પણ મને યાદ આવ્યું કે માં ને એક જૂની બાધા હતી. મામાના ગામથી અમારે બંનેએ ચાલતા આગલા ગામના મંદિરે દર્શન કરવા જવું. બાધા ઘણી જૂની હતી કારણ કે માં-દીકરાને સાથે બહાર નીકળવાનું થાય જ નહિ, કાં તો માં-બાપુ નીકળ્યા હોય નહીતર હું ને શ્રીમતીજી નીકળ્યા હોય. આ વખતે બધું બરાબર ગોઠવાતું હોય તેમ લાગ્યું, કારણકે આજે નીકળીને કાલે તો પાછા આવવાનું હતું.

હંમેશા દોડવા થનગનતા “ચેતક” નો જુનો ફોટો.

બાધાની વાત નીકળી એટલે બધા માની પણ ગયા. ઝડપથી મારો થેલો તૈયાર કરવામાં આવ્યો. બધાએ ચા-નાસ્તો પતાવ્યો. અને બરાબર ૦૮:૩૭એ અમે બધા ધંધુકા તરફ ચેતકમાં નીકળી પડ્યા. બરાબર ૮૦ કિમી/કલાકની ઝડપ જાળવતા અમે લગભગ ૧૧:૦૦ વાગ્યે અંકલેશ્વર ગોલ્ડન બ્રીજ પહોંચી ગયા. હમેશ મુજબ વાયા જંબુસર થઈને બોરસદ પહોંચ્યા. હવે તડકો બરાબર લાગતો હતો. આ વખતે ચરોતર માં તમાકુનો પાક સારો આવે તેવું લાગી રહ્યું છે. વાયા વટામણ-પીપળી-ધોલેરા થઇ લગભગ ૧૬:૩૦એ અમે હેમખેમ પહોચી ગયા. ચેતક, ૪૦૦ કિમી, ૮ મુસાફર અને ૮ કલાક!

નર્મદા ઉપરનો “ગોલ્ડન બ્રીજ”

હવે સવારે નીકળતા વખતે અમે વિચારેલું કે લગભગ ૪ વાગ્યે પહોંચી જશું અને પાંચેક વાગ્યે મંદિર તરફ ચાલવાનું શરુ કરી દઈશું. જો રોડેરોડ ચાલીએ તો મંદિર ૨૧ કિમી દુર થાય પણ ખેતર સોંસરવા ચાલીએ તો લગભગ ૧૬ કિમી જેટલું અંતર થાય. ૧૬ કિમી કાપતાં ૩ કલાક તો સહેજે નીકળી જાય. મોસાળ પહોંચ્યા પછી ખબર પડી કે મંદિર તો ૧૯:૩૦એ બંધ થઇ જાય એટલે ચાલવાનો કાર્યક્રમ આવતી સવારે ઉપર ધકેલાયો.

બાકી બધું તો ઠીક પણ ઘણા દિવસ પછી મામા ને ગામ આવ્યો. બધી યાદો તાજી થઇ ગઈ. ઈ જુનવાણી ઘર, એના ચિત્રાત્મક દરવાજા, હારબંધ ભગવાનના ફોટા, એ મસમોટી ખાટ, એ મોટો ઘેઘુર લીમડો, એ નાનાબાપુની ડેલી, ડેલીના નળિયા, બળદીયાની ગમાણ, જૂની ગમાણમાં રાખેલા ટ્રેકટર, ડીઝલના પીપળા, ખૂણામાં પડેલા દાંતી-વાવણીયો-હલર અને એ બધાની વચ્ચે દોડાદોડી કરતું ૧૦-૧૨ વર્ષનું બાળક…… જો કે હવે એ બાળક ૨૮ વર્ષનું થઇ ગયું છે!

વાળું પતાવી જલ્દી ખાટલા ભેગા થઇ ગયા. વહેલું પડે સવાર!

૧૦-માર્ચ-૨૦૧૩, રવિવાર: સવારે ૦૪:૦૦ વાગે ઉઠી ગયા. ખરેખર લાંબો દિવસ થવાનો છે. નિત્યક્રમ પતાવી ચા-નાસ્તો કરવા બેઠા. લગભગ ૦૫:૧૫એ મેં, માં અને મામાએ ચાલવાનું શરુ કરી દીધું. હજી તો અંધારું હતું એટલે બેટરીના અજવાળે હાલતા ગયા. અલક મલક ની વાતો ચાલુ હતી. વાતો ખૂટી જાય તો મામા કોના ખેતરમાંથી હાલી રહ્યા છીએ તેની જાણકારી આપતા જાય. નર્મદા કેનાલનું કામ પુર જોશમાં ચાલુ હતું, કોની કેટલી જમીન ગઈ, કેટલું વળતર આવ્યું એવી પંચાત કરતા સૂર્યોદય નો સમય થઇ ગયો. સળંગ ખેતરો પછી દુર ક્ષિતિજે સૂર્યોદય જોવાનો અનભવ આહલાદક હતો! અંદાજે ૬:૫૭એ સુરજદાદાએ એક લાંબા દિવસની શરૂઆત કરી. શેના શેના ખેતર જોયા? કપાસ, ભાલીયા ઘઉં, જીરું અને રાજગરો.

ચીલે ચીલે હાલ્યા જાવ…..

લગભગ ૦૭:૪૫એ મંદિર નું શિખર દેખાતું થયું. મંદિર દેખાતા જ પગ માં નવું જોર આવ્યું. અને ૦૮:૩૦એ અમે મંદિરે પહોંચી ગયા. બાધા પૂરી થઇ! ૧૬.૫૦ કિમી અને ૩:૧૫ કલાક! અમે પહોંચ્યા ત્યારે ચેતક પણ મંદિરે પહોંચી ચુકી હતી. દર્શન કરી મામા તથા ભાઈને ઘરે ઉતાર્યા.

એ દેખાય મંદિર!

ઝડપથી ચા-પાણી કરી હું, માં અને ચેતક ઉપડયા પાછા વાપી તરફ. સમય હતો ૧૦:૩૦. આ વખતે અલગ રસ્તે ગયા. ધંધુકા-ફેદરા-પીપળી-વટામણ-બોરસદ-વાસદ-વડોદરા-ભરુચ-અંકલેશ્વર-કામરેજ-નવસારી-વલસાડ-પારડી. હમેંશ મુજબ ચેતક ૮૦ કિમી/કલાક ની ઝડપે નિરાતે આગળ વધી રહી હતી. એકાદ સ્ટોપ અને સાંજે ૧૭:૦૦ અમેં ઘર ભેગા થઇ ગયા. ચેતક, ૪૦૦ કિમી, ૨ મુસાફર અને ૭.૫ કલાક!