મિશન આધાર: ભાગ 3 – પોતાની શાળામાં પાછા જવાનો આનંદ

ભાગ ૨ અહી વાંચો.

શ્રીમતીજીએ થોડાક બાળપણના વર્ષો નવસારીમાં વિતાવેલા, એટલે ઘણા સમયથી માંગ હતી કે નવસારીથી આટલા નજીક રહીએ છીએ તો એકાદવાર તો લઇ જાઓ? જેવા નવસારીમાં પ્રવેશ કર્યો એટલે પેહલી જ ટીપ્પણી:

આ તો ઘણું બદલાઈ ગયું છે.
પેહલા અહિયાં મકાન નહોતા.
આ જગ્યાએ તો જંગલ હતું.
અમને રાતે બહાર નીકળતા બીક લાગતી.

એમનેતો એમ કે આજે 20 વર્ષ પછી પણ શહેર એવું ને એવું જ હશે, પણ એક વસ્તુ ચોક્કસ એવી ને એવી જ હતી અને તે એમની શાળા “ડી કે તાતા હાઇસ્કૂલ“.

Credit: http://www.panoramio.com/photo/23979354

આધાર નોંધણીની મગજમારી પતાવી નક્કી કર્યું કે સ્કૂલે જવું, તપાસ કરી કે સ્કૂલ કઈ બાજુ આવી? ખબર પડી કે એ તો શહેર ના બીજે છેડે આવી છે, ફરતા-પુછતા અમે સ્કૂલે પહોંચ્યા અને સાંકડા રસ્તામાં અનુભવી એ જ વરાછા રોડ ટાઇપ ટ્રાફિકસેન્સ. સ્કૂલે પહોંચ્યા પછી ખબર પડી કે હાલના દિવસોમાં સ્કૂલ બંધ છે. સાંભળીને બહુ ખરાબ લાગ્યું. થોડાક આમતેમ ડોકિયા કર્યા પછી એકાદ ખૂણે થી અંદર જવાનો રસ્તો મળી ગયો અમે અંદર ગયા. શ્રીમતીજી તો જાણે 20 વર્ષ જુના ભૂતકાળમાં સરી ગયા:

હું આ ચબૂતરેથી અંદર આવતી.
આમ તો આ બોયઝ સ્કૂલ હતી છતાં અમે અમુક વર્ગો ભરવા અહી આવતા.
આ રૂમમાં મેં પરીક્ષા આપી છે.

અમે જુનીઅરને પણ ભાર દઈને કીધું કે આ તારી મમ્મીની સ્કૂલ છે. હવે ચાર મહિનાનાં જુનીઅરને એમાં ખબર તો પડે નહિ પણ તેણે આજુ બાજુ લીલા પાંદડા જોઈ લીધા, જેમ જેમ સમય પસાર થયો તેમ મને પણ મારી સ્કૂલ યાદ આવી પછી થયું કે આ મારું હાળું નિશાળમાં એક વાર પાછુ જવા જેવું છે!

Advertisements

મિશન આધાર: ભાગ ૨ – ઝેરના પારખા

ભાગ ૧ અહી વાંચો.

આખરે ૧૨ ડીસેમ્બર આવી ગઈ. સવારે લગભગ અગિયાર વાગે હું, શ્રીમતીજી અને જુનીઅર નીકળી ગયા “મિશન આધાર” ફતેહ કરવા. એકદમ નિરાંતથી 70-80 ની ઇષ્ટ ગતિ (ક્રૂઝિંગ સ્પીડ) જાળવતા અમે સવા કલાકમાં નવસારી પહોંચી ગયા. હવે એપોઇન્ટ્મેન્ટ સ્લીપમાં જલાલપોર નગરપાલિકા એવું સ્થળ લખ્યું હતું. તપાસ કરતા ખબર પડી કે જલાલપોર માં કોઈ નગરપાલિકા ઓફીસ નથી. હવે ક્યાં જવું? ધ્યાનથી સ્લીપ વાંચતા એમાં લખેલો આધાર સેન્ટરના ઉપરીનો મોબાઈલ નંબર મળ્યો. તેમનો સંપર્ક કરતા ખબર પડી કે અમારે નવસારી નગરપાલિકા પહોંચવું જોઈએ. હવે નગરપાલિકા હતી બરાબર શહેરની વચ્ચોવચ અને મુખ્ય શાકમાર્કેટની સામે. આમતેમ રસ્તો પુછતા આધાર નોંધણી કેન્દ્રતો પહોંચી ગયા પણ રસ્તામાં જે નગરજનોની ટ્રાફિકસેન્સનો અનુભવ થયો તે હાલ ના દિવસોમાં વરાછા રોડ, સુરત ને પણ શરમાવે તેવો હતો. લાગે છે નવસારીના નગરજનોએ સુરત-નવસારી ટ્વીનસીટી પ્રોજેક્ટ ની શરૂઆત ટ્રાફિકસેન્સની આપલે થી કરી છે.

મુખ્ય વાત પર પાછા આવીએ આશરે એક વાગ્યે નગરપાલિકામાં અમે આધાર નોંધણી કેન્દ્ર પહોંચ્યા. ૧૨ થી ૨ લંચ બ્રેક હતો છતાં પણ મેં દરવાજો ખખડાવ્યો. દરવાજો ખુલ્યો. અને પછી થયો આ વાર્તાલાપ:

હું: મેં આધાર નોંધણી માટે ઓનલાઈન અરજી કરેલ છે. અને મને આજે 2 થી 3 નો સમયગાળો આપવામાં આવેલ છે. આ રહી સ્લીપ. આ બરાબર જગ્યા છે ને?
કર્મચારી: સાહેબ, અહિયાં ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવતી નથી.
હું: પણ આ સ્લીપમાં તો આ જગ્યાનું જ નામ અને સરનામું છે. ઓનલાઈન અરજી એ પ્રાયોગિક ધોરણે ચાલુ કરેલ છે કદાચ તમને ખયાલ નથી.
કર્મચારી: સાહેબ મને ખ્યાલ છે. કાલે પણ એક બહેન આવેલા તમારા જેવી જ સ્લીપ લઈને એ પણ કેહતા હતા કે આ સ્લીપ હોય તો લાઈનમાં ઉભા રેહવાની જરૂર નથી. અમે તો ઉપરી અધિકારીને ફોન કરીને પછી તેમની અરજી લીધી પણ લાઈનવાળી જનતાએ તોફાન કર્યું. અને અમારા સ્ટાફમાના એકે મેથીપાક પણ ખાધો. હવે અમે જોખમ નથી લેવા માંગતા તમે ચાહો તો ઉપરી અધિકારી સાથે વાત કરી શકો છો.
હું: ઠીક છે હું વાત કરી જોઉં.

પછી મેં ઉપરી સાથે ફોને ઉપર વાત કરી, તેમનું પણ એજ કહેવું હતું પરંતુ તેમણે કહ્યું કે અમે હમણાં જીલ્લા પંચાયત બિલ્ડીંગમાં નવું નોંધણી કેન્દ્ર ચાલુ કરેલ છે. તમે ત્યાં આવી જાઓ ત્યાં હું આપની અરજી લઇ લઈશ. પછી અમે પાછા પૂછતાં-ફરતા જીલ્લા પંચાયત બિલ્ડીંગ પહોંચ્યા. સમય હતો ૧:૩૦. માત્ર ૩-૪  જણા અરજી કરવા હાજર હતા. મેં કેન્દ્રમાં તપાસ કરી. ત્યાં સાહેબે કીધું કે આમ તો ભીડ નથી, છતાં તમે અહી દરવાજા પાસે લાઈનમાં આ કાકા-કાકી (પોસ્ટમાં છેલ્લે તેમની જોક વાંચો) પછી ઉભા રહી જાઓ. ૨ વાગે એટલે તમારી અરજી તરત લઇ લેવાશે. ૨ વાગ્યા અને પછી થોડીક વારમાં અમારો નંબર આવી ગયો અમારા બંનેની અરજી લેવાઈ ગઈ.
વાર્તાનો સાર: ભલે ઓનલાઈન અરજી પ્રાયોગિક ધોરણે ચાલુ કરેલ હોય. છતાં જે કેન્દ્ર નક્કી કરાયા હોય ત્યાં સરકારે વ્યાપક પ્રચાર કરવો જોઈએ. આશા છે કે જયારે આનો દેશવ્યાપી અમલ થાય ત્યારે સારો એવો પ્રચાર કરવામાં આવશે.
આવું પણ થાય! પૂનાથી નવસારી કેન્દ્ર માટે પારડીના રહેઠાણની ઓનલાઈન અરજી બૂક કરી અને છેલ્લે તો સામાન્ય લાઈનમાં ઉભા રહી ને જ કામ થયું!

આધાર જોક: મારી આગાળ લાઈનમાં કાકા-કાકી હતા.

કર્મચારી: કાકા તમારી ઉમર કેટલી?
કાકા: ચોક્કસ તો યાદ નથી.
કર્મચારી: તો પછી આશરે કહો.
કાકા: પાંસઠેક હશે.
(ન સહન થતા) કાકી: હવે સિત્તેર તો મારી છે. પંચોતેર લખાવો પંચોતેર!

મિશન આધાર: ભાગ ૧ – ઓનલાઈન આધાર કાર્ડ એપોઇન્ટમેન્ટ

હમણાં છેલ્લા કેટલાક વખતથી આધાર કાર્ડએ ઘરમાં ચર્ચાઓનું કેન્દ્રસ્થાન મેળવી લીધું છે. ગેસ સબસીડી એક એવું કારણ છે કે આધાર કાર્ડ લીધા વગર છૂટકો ન હતો. એટલે વિવિધ દિશાઓમાં તીર છોડવામાં આવ્યા. (અંધારામાં પણ!)

પૂનામાં તો રાતથીજ લાઈનો લાગવા માંડે છે અને પારડીમાં દોઢ મહીને માત્ર એક વખત અરજીઓ સ્વીકારવામાં આવે છે. (અને પછી દોઢ મહિના દરમિયાન લીધેલી અરજીઓનો એક પછી એક નિકાલ કરવામાં આવે છે) આ બધી રામાયણ વિષે નેટ ઉપર વયવંચો કરતા ખબર પડી કે ઓનલાઈન પણ એપોઇન્ટમેન્ટ લેવામાં આવે છે. આધાર પોર્ટલ ઉપર વધારે તપાસ કરતા ખબર પડી કે હજી અ બધું પ્રયોગના ધોરણે ચાલી રહ્યું છે. ગુજરાતમાં પારડીની નજીક માત્ર નવસારીમાં જ ઓનલાઈન એપોઇન્ટ્મેન્ટ ચાલુ થઇ છે. હવે પારડી થી નવસારી થાય 70 કિલોમીટર એટલે વિચાર્યું જવું કે નહિ. થોડી વાર વિચાર્યા પછી ઘણી બધી કડી જોડીને નવસારી જવાનું નક્કી કર્યું. આ રહી કડીઓ:

કડી ૧: જો આ ઓનલાઈન વાળું બધું સરકારે કીધા મુજબ થાય તો આધાર નું કામ પર પડી જાય.

કડી ૨: જુનીઅરના જન્મને હવે ચાર મહિના થાય ગયા છે અને લગભગ છેલ્લા સાતેક મહિના થી અમે સજોડે બહાર નથી નીકળ્યા. (હોસ્પિટલ જવા સિવાય!)

કડી ૩: શ્રીમતીજી એ બાળપણના થોડાક વર્ષો નવસારીમાં વિતાવેલા અને એમને પોતાની સ્કૂલ પાછી જોવાની ઘણી ઈચ્છા. તો થયું કે ચાલો એ પણ થઇ જાય.

૧૨મી ડીસેમ્બરના રોજ બપોરે ૨ થી ૩ની વચ્ચેના  સમયગાળાની એપોઇન્ટમેન્ટ બૂક કરવામાં આવેલ છે. જોઈએ શું થાય છે!

આધાર અને ડાયરેક્ટ કેશ ટ્રાન્સફરની રામાયણ…

આ દિવસ એક દિ’ તો આવવાનો જ હતો. સોનિયા મેડમની સરકારે ડાયરેકટ કેશ ટ્રાન્સફર નામનું અમોઘ શસ્ત્ર અજમાવી દીધું છે. અને તે પણ બળજબરીથી! કેવીરીતે? આગળ વાંચો…

Image Source: plusnineone.com

સરકાર ગરીબી ઘટાડવા સબસીડી અને અન્ય લાભ ગરીબોને (બીપીએલ) આપતી હોય છે.  ડાયરેકટ કેશ ટ્રાન્સફર એટલે સબસીડી અને અન્ય લાભ સીધા રોકડ સ્વરૂપમાં ગરીબો ને આપી દેવામાં આવશે. હમમ… સારી યોજના છે. વચેટિયાઓ ને આમાં કઈ ખાવા નહિ મળે. આ સાથે ૨૦૧૪ ચુંટણી માટે કોંગ્રેસે પોતાના ઈરાદા જાહેર કરી દીધા છે. એક મિનીટ… શું હું ગરીબ (બીપીએલ) છું? નહિ! તો પછી મારે આ યોજના સાથે કોઈ લેવા દેવા નથી.

આધાર સરસ પ્રોજેક્ટ છે. તેનાથી બધાને એક અજોડ એવો નંબર મળશે. આ બધું સંભાળવામાં તો સારું લાગે છે. પણ શું મારે આ કાર્ડ ની જરૂર છે? એના વગર કોઈ કામ અટકતું નથી. મારી પાસે ઓળખાણ, રહેઠાણ અને ઉમરના પુરાવા તો છે. વધુ એક કાર્ડ સાચવવાનું થાશે. ના મારે આ કાર્ડની કોઈ જરૂર નથી.

હવે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર અને આધાર ને સાથે જોડી દો અને મધ્યમ વર્ગની એકમાત્ર સબસીડી (રાંધણ ગેસ) ને પણ આમાં હોમી દો. હવે જુઓ રમત… આધાર કાર્ડ નોંધાવતી વખતે બેંક ખાતા ક્રમાંક પણ જણાવો. હવે સિલિન્ડર ખરીદતી વખતે રોકડા રૂપિયા ૯૦૦ ચૂકવો. અને પછી રૂપિયા ૪૫૦ સબસીડી રૂપે નોંધાવેલ બેક ખાતામાં પાછા મેળવો. મારા એક મિત્રને હજી પણ આશા છે કે વર્ષ ૨૦૦૯ નું ઇન્કમટેક્ષ રિફંડ તેમને મળશે!

આ બધું તો ઠીક પણ આધાર કાર્ડની અરજી આપવી એ પણ ઈડરિયા ગઢ જીતવા બરાબર છે. મને ખયાલ છે કે હમણાં સુધી પુના(હિન્જવડી) અને વાપી(પારડી) ના આધાર નોંધણી કેન્દ્રો માં કાગડા ઉડતા હતા. પણ ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર સ્કીમ આધાર સાથે જોડતા, પરિસ્થિતિ રેલ રિઝર્વેશન સેન્ટર જેવી થયી છે.

રેલ રિઝર્વેશન ની ભીડથી બચવા આપ શું કરો છો? અચ્છા, ઓનલાઈન બૂક કરો છો. તો આધાર એપોઇન્ટમેન્ટ પણ ઓનલાઈન બૂક કરો ને? આ રહી લીંક: http://appointments.uidai.gov.in/