જુનીઅર અને તેનો ઘોડીયાગ્રહ

જુનીઅરનો જન્મ પારડીમાં દાદાના ઘરે થયો અને લગભગ અત્યાર સુધી ત્યાં જ રહ્યો છે. દાદાના ઘરે તો ઘોડિયું પહેલે થી જ હતું (એના પપ્પાનું જ હોય ને!). હવે માં-દીકરો થોડાક સમય માટે પૂના આવવાના હતા. પૂના ઘોડિયું હતું નહિ અને અમને ઘોડિયામાં  હિચક્યા વગર નીંદર આવે નહિ એટલે જુનીઅરના બા-દાદા હોંશે હોંશે નવું ફોલ્ડીંગ ઘોડિયું લઈ આવ્યા. ઘોડિયું સ્ટીલના પાઈપનું બનેલું અને પાઈપ ફોલ્ડ કરતા કદમાં એકદમ નાનું થઇ જાય. ફોલ્ડીંગ એટલા માટે કે આવતા એકાદ વર્ષમાં માં-દીકરો ઘણી મુસાફરી કરવાના છે. ફોલ્ડીંગ હોય તો સાથે લઇ જવામાં સરળતા રહે.

હવે અમે પ્રથમ વખત “નવા ફોલ્ડીંગ ઘોડિયા” સાથે પૂના આવ્યા ૧૭ ફેબ્રુઆરીએ. કારણ હતું નવા ઘરે સમાન ફેરવવાનું. માં-દીકરો લગભગ દસ દિવસ પૂના રોકાયા. પહેલા દિવસથી જ જુનીઅરે ઘોડિયામાં ઊંઘવામાં આનાકાની કરવા માંડી. અમને લાગ્યું કે નવી જગ્યા છે, પારડી ઘરે ઘણા બધા હોય અને અહિયાં એકલો પડી ગયો છે એટલે આવું કરતો હશે. પણ તેનો જુનવાણી ઘોડિયા માટેનો આગ્રહ આવનારા દસ દિવસ સુધી ચાલુ રહ્યો. અમે ઘર ફેરવવાની માથાકૂટમાં પડ્યા હતા એટલે બહુ ધ્યાન નાં આપ્યું અને વળી પાછું એમ પણ હતું કે દસ દિવસમાં તો પાછા પારડી ભેગા થઇ જશું એટલે બધું પાછું રાબેતામુજબ થઇ જશે. ૧લિ માર્ચે અમે પાછા પારડી જતા રહ્યા.

કૈંક આવુ જ હતુ ફોલ્ડીંગ ઘોડીયું / પારણું

ભગ દોઢેક મહિના પછી ૨૧ એપ્રિલે અમે ત્રણેય ફરી પાછા પૂના આવ્યા. આ વખતે લગભગ મહિનો રોકાવાનું હતું. ફોલ્ડીંગ ઘોડીયું પણ સાથે આવ્યુ હતું. જેમ જેમ દિવસ પસાર થતા ગયા તેમ તેમ ખબર પડી કે જુનીઅરને ફોલ્ડીંગ ઘોડિયા સાથે વાંધો હતો. હવે આ સ્ટીલ પાઇપની બનેલી વસ્તુ ઘોડીયું તો હતી જ નહી. સારા શબ્દોમાં તેને પારણું કહી શકાય. અને પારણામાં હિંચકા ના હોય, એમાં તો ધીમે-ધીમે ઝુલવાનું જ હોય. અને અમને તો ખોયામાં મોટા-મોટા હિંચકા ખાધા પછી જ નીંદર આવે. એટલે અમે પારણાને ઝુલાવવાને બદલે હીંચોળવાનું ચાલુ કર્યુ. પારણાને આ વાતનું બહુ ખોટું લાગ્યુ. મારું આવુ ઘોર અપમાન! મારો ઘોડિયાની જેમ ઉપયોગ કર્યો? અને તે સાથે જ પારણાએ ચીચુડ-ચીચુડ અવાજ ચાલુ કરી દીધો. અમે તેલ આંજ્યુ, આંકડામાં રૂ ભરાવ્યું પણ કોઇ રીતે અવાજ ના ગયો. હવે આ અવાજ સાથે જુનિઅરને નિંદર આવે એ વાતમાં માલ નહિ. શ્રીમતીજીને આ ચીચુડ-ચીચુડ અવાજવાળી પોઢણ-પ્રક્રીયામાં મથતા જોઇ મેઘાણીસાહેબનું હાલરડું યાદ આવી જાયઃ

બાળુડાને માત હીંચોળે, ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે, માતા જીજાબાઇ ઝુલાવે.

હવે આ કાઇં શિવાજી નો’તા, ને ઓલા કાઇં જીજાબાઇ નથી. એટલે ૩-૪ દિવસમાં બધા થાકી ગયા. અને પૂનામાં ઘોડીયું ગોતવાના પ્રયત્નો શરૂ થયા. બહુ મથ્યા પણ પેઠ વિસ્તાર સિવાય ક્યાય મેળ ખાય તેમ ન હતો. અને પેઠ વિસ્તાર સુધી પોલિસને હાથતાળી આપ્યા વગર GJ નંબરવાળી જીપ લઇ જવી લગભગ અશક્ય હતુ. આટલી માથાકૂટ પછી પણ ત્યાં ઘોડીયું મળે જ એવુ નક્કી નહિ. આ બધા વિચારોમાં કોણ જાણે ક્યાંથી પણ OLX/Quikrમાં તપાસ કરવાનો idea આવ્યો.

અને ઘોર ઉનાળામાં મેહ વરસી પડ્યા. પૂનામાં એક ભાઇ પાસે નવુ-નકોર માત્ર દસેક દિવસ જુનુ ઘોડીયું હતું. મને બધુ ઠીક લાગતા મેં સજ્જનના નામ-સરનામા માગ્યા. અને બીજો ધડાકો – સજ્જન દક્ષીણ ભારતીય હતા. હવે આ અન્ના પાસે ગુજરાતી ઘોડીયું આવ્યું કયાંથી જેવા પ્રશ્નો સાથે અમે તેમના ઘરે પહોંચ્યા. વાતો-વાતોમાં ખબર પડીકે, સજ્જનના પિતાજી વલસાડમાં સરકારી અફસર છે અને દક્ષીણ ભારતીય રીવાજ અનુસાર બાળક જન્મ પછી દાદાના ઘરે જાય. એટલે તેમણે વલસાડમાં જ ઘોડીયું તૈયાર રાખેલું. વળતા તેઓ ઘોડિયું પૂના લેતા આવ્યા. હવે પારણાની ટેવાયેલી બેબીને ઘોડીયું ફાવ્યું નહિ! આપણાથી એકદમ ઉંધો કેસ! ખેર અમને ઘોડીયું ગમ્યું અને અમે તે લઇ લીધું.

આ રહ્યું નવું ઘોડીયું!

મજાની વાત એ કે વલસાડથી પારડી થાય માત્ર ૧૫ કીમી! યોગાનુયોગ જુઓ કે પારડીથી માત્ર ૧૫ કીમી દૂર અપાયેલું ઘોડીયું અમે પૂના ૧૫ કીમી દૂર જાઇને લીધુ! અને હા, જુનીઅરને ઘોડીયામાં હીંચકવાની મજા આવે છે અને ખોયામાં ગરતાવેંત નીંદર પણ આવી જાય છે.

ઘટનાક્રમ – અપ્રિલ ૨૦૧૩

૦૧-એપ્રિલ-૨૦૧૩,  સોમવાર: દાદાજીની તબિયત સ્થિર હાલતમાં છે. ICU માંથી રજા મળી ગઈ છે. સોડીયમની ઉણપને કારણે માનસિક હાલત અસ્થિર છે. બધાને ઓળખવામાં થાપ ખાય છે. દાકતરના કહેવા મુજબ સોડીયમની ઉણપ વખતે આવી તકલીફ સામાન્ય કહેવાય. દિવસે “ખબર” કાઢનારાઓની અવાર જવર ચાલતી રહે છે. રાત્રે બાપુ દાદાજી પાસે રોકાય છે.  કાકા પણ ધ્રાંગધ્રાથી આવી ગયા છે.

૦૪-એપ્રિલ-૨૦૧૩, ગુરુવાર: દાદાજી પિત્તાશયમાં અસહ્ય દુખાવાને કારણે પૂરો શ્વાસ નથી લઇ શકતા. અડધો શ્વાસ તેમના શરીર માટે પુરતો ના હોવાથી રાત્રે વેન્ટીલેટર ઉપર ખસેડવા પડ્યા. બનેવીસાહેબે અમદાવાદના કીડની વિશેષજ્ઞ ડૉ. પારેખને ફોન દ્વારા માહિતી આપી. ડૉ. પારેખ છેલ્લા બે વર્ષથી દાદાજીની કીડની સંબંધિત સમસ્યાઓનું ધ્યાન રાખે છે. ડૉ. પારેખે દાદાજીની હાલત મુસાફરી લાયક થાય એટલે અમદાવાદ લઇ આવવા કહ્યું. મેં અને બનેવીસાહેબે વિચાર્યું કે રવિવારના રિપોર્ટ જોયા પછી આગળ નક્કી કરશું. બનેવીસાહેબ હોસ્પીટલમાં ફીઝીયોથેરાપીસ્ટ છે એટલે તેઓ હોસ્પિટલને લગતી બધી જવાબદારી ઉપાડી લે છે.

૦૬-એપ્રિલ-૨૦૧૩, શનિવાર: પુના-વાપી (બસ દ્વારા). સવારે ૦૫:૦૦ વાગ્યે વાપી પહોંચ્યો. ઘરના તથા બાપુના બાકી રહેલા કામો પતાવ્યા. આખો દિવસ હોસ્પીટલે ના જઈ શક્યો. સાંજે બનેવીસાહેબે હોસ્પીટલે બોલાવ્યો. તેમનો મત હવે અમદાવાદ જલ્દીથી પહોંચવાનો હતો. કાકા હાજર હતા, મેં બાપુને ફોન કરી બોલાવ્યા. બાપુ, કાકા, બનેવીસાહેબ અને હું એમ અમે ચારેજણા થોડી ચર્ચા પછી નક્કી કર્યું કે રાત્રે ૦૩:૦૦ વાગ્યે અમદાવાદ માટે નીકળી જવું. બનેવીસાહેબે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી. ડૉ. પારેખે અમદાવાદમાં ત્રણેક હોસ્પીટલના વિકલ્પો અમને આપ્યા. અમે સ્ટર્લીંગ હોસ્પિટલ નક્કી કરી.

૦૭-એપ્રિલ-૨૦૧૩, રવિવાર: સવારે ૦૩:૩૦ વાગ્યે એમ્બ્યુલન્સ તૈયાર હતી. હું અને બનેવીસાહેબ દાદાજી સાથે એમ્બ્યુલન્સમાં ગોઠવાયા. કાકા અને શક્તિ તેમની જીપમાં તથા બાપુ નાની ઇઓનમાં હતા. ૦૪:૦૦ વાગ્યે ત્રણેય ગાડીઓ એક પછી એક નીકળી. ગમે તે હોય પણ દાદાજી ની તબિયત રસ્તામાં જ ઘણી સુધરવા લાગી! ૧૦:૦૦ વાગ્યે અમે સ્ટર્લીંગ હોસ્પિટલ પહોંચી ગયા. મામા ત્યાં હાજર હતા. ૧૦:૩૦ વાગ્યે ડૉ. પારેખ પણ પહોંચ્યા અને દાદાજી વિધિવત રીતે દાખલ થઇ ગયા.

૧૦-એપ્રિલ-૨૦૧૩, બુધવાર: અમદાવાદમાં ચોથો દિવસ. દાદાજીની તબિયત સતત સુધારા ઉપર છે. સોડીયમની ઉણપ હવે નથી રહી. ઘણી નબળાઈ અને ઓછા પ્રોટીન સિવાય કોઈ તકલીફ નથી. પિત્તાશયનો દુખાવો હાલ પુરતો શમી ગયો છે. શુક્લ પરિવારે અમને અમદાવાદમાં ઘર જેવું જ વાતાવરણ પૂરું પાડ્યું. જે માગો, જયારે માગો તેઓ હમેશા તૈયાર હતા. આભાર માનીએ એટલો ઓછો.

૧૨-એપ્રિલ-૨૦૧૩, શુક્રવાર: અમદાવાદમાં છઠ્ઠો દિવસ. દાદાજી હવે ૯૦% તંદુરસ્ત છે. લગભગ કાલે રજા મળી જશે. દાદાજી હવે તેમની “ખબર” પુછવા આવનાર બધાને સારી રીતે ઓળખે છે. તેમને હવે ખ્યાલ આવ્યો કે તેઓ અમદાવાદમાં છે. દાદાજી આ બધાથી થોડા નિરાશ રહે છે. ઉદાસીનતા દુર કરવા એક સંબંધીએ ઘણા જોક્સ કહ્યા. એમાંનો  એકાદ આ રહ્યો:

ગામના મોભીને ત્યાં પ્રસંગ હતો. વર્ષ સારું હતું એટલે ઉત્સાહમાં મોભીએ આખા ગામને ધુમાડાબંધ જમાડવાનું નક્કી કર્યું. આમંત્રણ અપાઈ ગયા. શહેરની સાથે તાલમાં રહેવા માંગતા મોભીએ પંગત છોડી જમણવારમાં  “બુફે” અપનાવ્યું. સામાન્ય રીતે બુફેમાં થાળી સાથે એક ટીશ્યુપેપર આપવામાં આવે છે. હવે ગામના બે નમુના જમવા આવ્યા. એમણે થાળીઓ લીધી. જાતે બધું પીરસ્યું. આ પછી થયો આ વાર્તાલાપ:

પહેલો (ક્રિયા): ટીશ્યુપેપર મોઢામાં મુકવા જાય છે.
બીજો (પહેલાનો હાથ ઝાલી લેતા): એલા, ઈ ખાવા જેવું નથી. હાવ મોળું છે. લાગે છે ગધ’ના ગળપણ નાખવાનું ભૂલી ગ્યા છે. :)

૧૩-એપ્રિલ-૨૦૧૩, શનિવાર: સાતમો દિવસ. દાદાજી ને એકદમ સારું છે. લગભગ ૧૬:૦૦ વાગ્યે રજા મળી ગઈ. અમે પાછા વાપી જવા નીકળી ગયા. ઇઓનમાં હું, દાદાજી અને બાપુ હતા. કાકા તેમની ગાડીમાં પાછળ હતા. લગભગ ૨૨:૦૦ વાગ્યે અમે વાપી પહોચી ગયા.

૧૫-એપ્રિલ-૨૦૧૩, સોમવાર: વાપી-પુના(બસ દ્વારા). સવારે ૦૫:૩૦ વાગ્યે પહોંચ્યો.

૨૦-એપ્રિલ-૨૦૧૩, શનિવાર: પુના-વાપી(બસ દ્વારા). સવારે ૦૪:૪૫ વાગ્યે પહોંચ્યો. દાદાજીની તબિયત સારી છે. હવે સારી રીતે ચાલી શકે છે.

૨૧-એપ્રિલ-૨૦૧૩, રવિવાર: દાદાજીની તબિયત સામાન્ય થતા હવે શ્રીમતીજી અને જુનીઅર પૂના આવવા તૈયાર છે. અમે ત્રણેય લગભગ સવારે ૦૯:૦૦ વાગ્યે “ચેતક”માં પૂના તરફ નીકળી ગયા. આ વખતે થાણા-મુલુંડ-એરોલી થતા પૂના પહોંચ્યા.

૨૫-એપ્રિલ-૨૦૧૩, ગુરુવાર: જુનીઅર માટે ઘોડિયું આવ્યું.

૨૮-એપ્રિલ-૨૦૧૩, રવિવાર: સુલભ અને સુમિત જુનીઅરને રમાડવા આવ્યા. એક જમાનામાં બંને જણા મારા રૂમ-મેટ હતા અને મને સહન કરવાનું જોખમ રાખતા. ઘણા વખત પછી અમે ત્રણ ભેગા એક સાથે જમ્યા. બધી જૂની વાતો તાજી કરી. જુનીઅરને બંને સાથે બહુ મજા આવી. બહુ ધીંગા-મસ્તી કરી.

ઘટનાક્રમ – માર્ચ ૨૦૧૩

૦૧-માર્ચ-૨૦૧૩, શુક્રવાર: ઓફિસથી વહેલો નીકળી ૦૩:૦૦ વાગ્યે ઘરે પહોંચી ગયો. બધા (બાપુ, માં, જુનીઅર અને તેની મમ્મી)  વાપી ટ્રીપ માટે તૈયાર હતા. લગભગ ૦૩:૩૦ વાગ્યે અમે નીકળી ગયા. લોનાવલા પેટ્રોલ ભરવામાં આવ્યું અને હેત્વી માટે ચોકલેટ લેવામાં આવી. આ વખતે વાયા એરોલી મુંબઈ બાયપાસ કર્યું. લગભગ ૨૧:૧૫ વાગ્યે અમે વાપી પહોંચી ગયા.

૦૪-માર્ચ-૨૦૧૩, સોમવાર: ભારત – ઓસ્ટ્રેલિયા ૨જી ટેસ્ટ – પુજારા તથા વિજયની જોડીએ ખરેખર ધૈર્યપૂર્વકની ટેસ્ટ બેટિંગની યાદ અપાવી. સવારે બોલરોને માન આપી ૩૦ ઓવરમાં માત્ર ૫૦ રન કર્યા. અને લંચ પછી ખરા રંગમાં રમ્યા. અદભુત!

૦૭-માર્ચ-૨૦૧૩, ગુરુવાર: કમરની હાલત સુધરતી જાય છે. હર હાઇનેસ ઈમ્પાલા સાથે કમ્યુટીંગના દિવસો દૂર નથી.

૦૯-૧૦ માર્ચ-૨૦૧૩: વાપી-ધંધુકા-વાપી. કેમ? આ રહી વિગતો!

૧૭-માર્ચ-૨૦૧૩, રવિવાર: ફરી એક વાર વાપી-પૂના. આ વખતે દાદાજી, જીજીબાપુ (દાદાજી ના મોટા ભાઈ), નીપા(કાકાની દીકરી) સાથે હતા. મુસાફરીનું ઉદ્દેશ્ય હતું પૂના ના નવા ઘરની મુલાકાત! લગભગ સવારે ૦૯:૩૦ વાગ્યે ઘરેથી નીકળી ગયા. જીજી સાથે મુસાફરીની એક અલગ જ મજા હોય છે. દરેક વસ્તુ-જગ્યા-ઘટના ઉપર તેમનું અવલોકન બધાથી કૈક અલગ જ હોય છે. પ્રથમ સ્ટોપ ફાઉન્ટન હોટલ, ઘોડબંદરે લીધો. અને પછી ચાલુ થયો મુંબઈને બાયપાસ કરવાનો કંટાળાજનક અનુભવ. એકાદ જગ્યાએ લગભગ ૩૦ મીનીટનો જામ હતો. આગળ વધતા ખબર પડી કે જામ ઓવરબ્રિજ બાંધકામનો છે. હજી મજાની વાત એ કે ઓવરબ્રીજ તો તૈયાર હતો પણ ઉદઘાટનના અભાવે ચાલુ નહોતો!!! ત્રાસદાયક મુંબઈ બાયપાસ પછી આંનદદાયક પૂના એક્ષ્પ્રેસવે ચાલુ થયો. ખંડાલા ઘાટની ટનલો જોયા પછી જીજીને દેશની એન્જીનીયરીંગ પ્રગતિ ઉપર અભિમાન થયું. સાંજે ૦૪:૩૦ વાગ્યે અમે પુના પહોંચી ગયા.

૧૯-માર્ચ-૨૦૧૩, મંગળવાર: દાદાજી અને જીજીને પૂનામાં આરામ કરવા સિવાય બીજું કઈ કામ નહોતું અને મેં ઓફિસમાં શુક્રવારે રજા મૂકી હતી. મને ખ્યાલ હતો કે દાદાજી ને શાહબુદ્દીન રાઠોડની રમુજ સાંભળવાનો શોખ ખરો. આવા સમયે Flipkart જ મદદે આવે. Flipkart પાસે શાહબુદ્દીન રાઠોડનો બધો ખજાનો હાજર હતો. “વનેચંદનો વરઘોડો” સાંભળી અમે બધા બહુ હસ્યા! Flipkart માં અહિયાં છે “વનેચંદનો વરઘોડો”!

૨૨-માર્ચ-૨૦૧૩, શુક્રવાર: આજે ઓફિસમાં રજા લીધી. ચાર દિવસના આરામ પછી બધા પૂના શહેરની લટાર મારવા તૈયાર હતા. શનિવારવાડા, શિંદે છત્રી, હલવાઈના ગણપતિ અને આગાખાન પેલેસની મુલાકાત લીધી. શનિવારવાડા એટલે જુનો કોટબંધ કિલ્લો. જીજી કિલ્લાના છેક ઉપલા કાંગરા સુધી ચડ્યા અને આખા કિલ્લાનું ઉપરથી વિહંગાવલોકન કર્યું. ૮૧ની ઉમરે હું કિલ્લાના દરવાજે પણ પહોંચું તો પણ ઘણું! સીનીયર સિટિઝન્સની સાથે તેમની નજરે પૂના જોવામાં પસાર થયેલો અનેરો દિવસ!

શિંદે છત્રી – credit http://farm5.static.flickr.com/4051/4454600010_1bdfe2445b.jpg

૨૩-માર્ચ-૨૦૧૩, શનીવાર: પૂના-વાપી. સવારે લગભગ ૦૯:૩૦ વાગ્યે નીકળ્યા અને ૦૪:૦૦ વાગ્યે પહોંચી ગયા. રસ્તામાં અમે નીરો નો આંનદ લીધો. જો નીરા વિષે ના જાણતા હોવ તો અહિયાં જુઓ.

૨૭-માર્ચ-૨૦૧૩, બુધવાર: ધૂળેટી. દાદાજીએ પેટનો દુખાવો વધતા હોસ્પિટલ લઈ જવા કહ્યું. રજા હોવાથી કોઈ મુખ્ય સ્ટાફ તો નહોતો પણ બનેવીસાહેબ ડોક્ટર હોવાથી દાદાજીને દાખલ કરવામાં કોઈ તકલીફ પડી નહિ. પછીથી ખબર પડી કે દુખાવો પીત્તાશયની પથરીનો છે. દાદાજી પોતે કલકત્તા યુનિવર્સીટી ૧૯૬૧ બેચના MBBS સ્નાતક છે.

૨૯-માર્ચ-૨૦૧૩, શુક્રવાર: અમદાવાદની ઓફર પાક્કી થતા પૂના નોકરીમાં રાજીનામું મુક્યું. અઘરો નિર્ણય. છ વર્ષ પૂના રહ્યા પછી પૂનાના હકારાત્મક પાસાઓ છોડી અમદાવાદના હકારાત્મક પાસા તરફ પ્રયાણ જોખમી તો ખરું. બે મહિનાની નોટીસ સર્વ કર્યા પછી પૂનાને આવજો કહેવામાં આવશે.

૩૦-માર્ચ-૨૦૧૩, શનીવાર: શરીરમાં સોડીયમની ઉણપને કારણે દાદાજી અર્ધ-બેભાનાવસ્થામાં રહેવા લગતા ICUમાં દાખલ કર્યા. ડોકટરના કહેવા મુજબ સોડીયમની ભરપાઈ થશે એટલે પાછુ બધું રાબેતામુજબ આવી જાશે.

બે દિ’, ૮૦૦કિમી, મોસાળ અને બાધા

૦૯-માર્ચ-૨૦૧૩, શનિવાર: વાપી સવારે ૦૪:૩૦ વાગ્યે ઘરે પહોંચ્યો. બે દિવસ પહેલાથી જ ઘરે મોસાળથી મારા બંને મામા, બંને મામી તથા બે દીકરીઓ જુનીઅરને “રમાડવા” આવેલ હતા. અને મને મળી વહેલી સવારે તેમનું પાછા નીકળવાનું નક્કી હતું. પણ થયું એવું કે મોટા મામાને અચાનક જ આગલી રાતે પાછા જવું પડ્યું. બાકીના બધા મને મળવાની વાતે રોકાઈ ગયા. સવારે લગભગ ૦૮:૦૦ વાગ્યે તેઓ વાપી થી ધંધુકા કઈ બસમાં પાછા જાશે તે નક્કી કરવામાં અમે પડી ગયા. ૦૯:૦૦ વાગ્યે ની કોઈ બસ નું નક્કી થયું. બસ વલસાડથી હતી એટલે મેં તેમને બસ સ્ટેન્ડ સુધી પહોચાડવા જીપ (ચેતક) બહાર કાઢવાની તૈયારી કરી.  એટલામાં દાદા નીચે આવ્યા. તેમને ખ્યાલ નહોતો કે મોટા મામા તો ગઈકાલે જ નીકળી ગયા હતા. બધી વાત સાંભળ્યા પછી તેમણે કહ્યું:

વહુ-દીકરી સાથે એસટીમાં પાછા જાય એ ઠીક નહિ. જાઓ, એકાદ જણા બધાને ગાડીમાં મુકતા આવો.

હવે અચાનક બધા સમીકરણો ફરી ગયા. મામાએ વિવેક પૂર્વક નાં પાડી. પણ મને યાદ આવ્યું કે માં ને એક જૂની બાધા હતી. મામાના ગામથી અમારે બંનેએ ચાલતા આગલા ગામના મંદિરે દર્શન કરવા જવું. બાધા ઘણી જૂની હતી કારણ કે માં-દીકરાને સાથે બહાર નીકળવાનું થાય જ નહિ, કાં તો માં-બાપુ નીકળ્યા હોય નહીતર હું ને શ્રીમતીજી નીકળ્યા હોય. આ વખતે બધું બરાબર ગોઠવાતું હોય તેમ લાગ્યું, કારણકે આજે નીકળીને કાલે તો પાછા આવવાનું હતું.

હંમેશા દોડવા થનગનતા “ચેતક” નો જુનો ફોટો.

બાધાની વાત નીકળી એટલે બધા માની પણ ગયા. ઝડપથી મારો થેલો તૈયાર કરવામાં આવ્યો. બધાએ ચા-નાસ્તો પતાવ્યો. અને બરાબર ૦૮:૩૭એ અમે બધા ધંધુકા તરફ ચેતકમાં નીકળી પડ્યા. બરાબર ૮૦ કિમી/કલાકની ઝડપ જાળવતા અમે લગભગ ૧૧:૦૦ વાગ્યે અંકલેશ્વર ગોલ્ડન બ્રીજ પહોંચી ગયા. હમેશ મુજબ વાયા જંબુસર થઈને બોરસદ પહોંચ્યા. હવે તડકો બરાબર લાગતો હતો. આ વખતે ચરોતર માં તમાકુનો પાક સારો આવે તેવું લાગી રહ્યું છે. વાયા વટામણ-પીપળી-ધોલેરા થઇ લગભગ ૧૬:૩૦એ અમે હેમખેમ પહોચી ગયા. ચેતક, ૪૦૦ કિમી, ૮ મુસાફર અને ૮ કલાક!

નર્મદા ઉપરનો “ગોલ્ડન બ્રીજ”

હવે સવારે નીકળતા વખતે અમે વિચારેલું કે લગભગ ૪ વાગ્યે પહોંચી જશું અને પાંચેક વાગ્યે મંદિર તરફ ચાલવાનું શરુ કરી દઈશું. જો રોડેરોડ ચાલીએ તો મંદિર ૨૧ કિમી દુર થાય પણ ખેતર સોંસરવા ચાલીએ તો લગભગ ૧૬ કિમી જેટલું અંતર થાય. ૧૬ કિમી કાપતાં ૩ કલાક તો સહેજે નીકળી જાય. મોસાળ પહોંચ્યા પછી ખબર પડી કે મંદિર તો ૧૯:૩૦એ બંધ થઇ જાય એટલે ચાલવાનો કાર્યક્રમ આવતી સવારે ઉપર ધકેલાયો.

બાકી બધું તો ઠીક પણ ઘણા દિવસ પછી મામા ને ગામ આવ્યો. બધી યાદો તાજી થઇ ગઈ. ઈ જુનવાણી ઘર, એના ચિત્રાત્મક દરવાજા, હારબંધ ભગવાનના ફોટા, એ મસમોટી ખાટ, એ મોટો ઘેઘુર લીમડો, એ નાનાબાપુની ડેલી, ડેલીના નળિયા, બળદીયાની ગમાણ, જૂની ગમાણમાં રાખેલા ટ્રેકટર, ડીઝલના પીપળા, ખૂણામાં પડેલા દાંતી-વાવણીયો-હલર અને એ બધાની વચ્ચે દોડાદોડી કરતું ૧૦-૧૨ વર્ષનું બાળક…… જો કે હવે એ બાળક ૨૮ વર્ષનું થઇ ગયું છે!

વાળું પતાવી જલ્દી ખાટલા ભેગા થઇ ગયા. વહેલું પડે સવાર!

૧૦-માર્ચ-૨૦૧૩, રવિવાર: સવારે ૦૪:૦૦ વાગે ઉઠી ગયા. ખરેખર લાંબો દિવસ થવાનો છે. નિત્યક્રમ પતાવી ચા-નાસ્તો કરવા બેઠા. લગભગ ૦૫:૧૫એ મેં, માં અને મામાએ ચાલવાનું શરુ કરી દીધું. હજી તો અંધારું હતું એટલે બેટરીના અજવાળે હાલતા ગયા. અલક મલક ની વાતો ચાલુ હતી. વાતો ખૂટી જાય તો મામા કોના ખેતરમાંથી હાલી રહ્યા છીએ તેની જાણકારી આપતા જાય. નર્મદા કેનાલનું કામ પુર જોશમાં ચાલુ હતું, કોની કેટલી જમીન ગઈ, કેટલું વળતર આવ્યું એવી પંચાત કરતા સૂર્યોદય નો સમય થઇ ગયો. સળંગ ખેતરો પછી દુર ક્ષિતિજે સૂર્યોદય જોવાનો અનભવ આહલાદક હતો! અંદાજે ૬:૫૭એ સુરજદાદાએ એક લાંબા દિવસની શરૂઆત કરી. શેના શેના ખેતર જોયા? કપાસ, ભાલીયા ઘઉં, જીરું અને રાજગરો.

ચીલે ચીલે હાલ્યા જાવ…..

લગભગ ૦૭:૪૫એ મંદિર નું શિખર દેખાતું થયું. મંદિર દેખાતા જ પગ માં નવું જોર આવ્યું. અને ૦૮:૩૦એ અમે મંદિરે પહોંચી ગયા. બાધા પૂરી થઇ! ૧૬.૫૦ કિમી અને ૩:૧૫ કલાક! અમે પહોંચ્યા ત્યારે ચેતક પણ મંદિરે પહોંચી ચુકી હતી. દર્શન કરી મામા તથા ભાઈને ઘરે ઉતાર્યા.

એ દેખાય મંદિર!

ઝડપથી ચા-પાણી કરી હું, માં અને ચેતક ઉપડયા પાછા વાપી તરફ. સમય હતો ૧૦:૩૦. આ વખતે અલગ રસ્તે ગયા. ધંધુકા-ફેદરા-પીપળી-વટામણ-બોરસદ-વાસદ-વડોદરા-ભરુચ-અંકલેશ્વર-કામરેજ-નવસારી-વલસાડ-પારડી. હમેંશ મુજબ ચેતક ૮૦ કિમી/કલાક ની ઝડપે નિરાતે આગળ વધી રહી હતી. એકાદ સ્ટોપ અને સાંજે ૧૭:૦૦ અમેં ઘર ભેગા થઇ ગયા. ચેતક, ૪૦૦ કિમી, ૨ મુસાફર અને ૭.૫ કલાક!

ઘટનાક્રમ – ફેબ્રુઆરી ૨૦૧૩

૧૪-૦૨-૨૦૧૩, ગુરુવાર: નવા ફ્લેટમાં કળશ મુકવાનું ભગીરથ કાર્ય પર પડી ગયું છે. એકલા એકલા જ! કેમ? ઘરના વડીલોએ સુરેન્દ્રનગરમાં કાકાની દીકરીના સગપણ લાંબા સમયથી ચાલી રહેલી વાતોને પણ આજે જ રૂપિયો-નાળીયેરથી સિક્કો માર્યો.

૧૬-૦૨-૨૦૧૩, શનિવાર: લગ્ન નામની ઘટના(!)ને આજે પાંચ વર્ષ પુરા થયા! શ્રીમતીજી ને આના સંભારણા માટે એક નવું ફેબલેટ આપવામાં આવ્યુ.

૧૭-૦૨-૨૦૧૩, રવિવાર: પેહલા તો એમ વિચારેલું કે નવા ફ્લેટમાં બધો સમાન ફેરવ્યા પછી જ શ્રીમતીજી અને જુનીઅરને પુના તેડી આવીશ. પણ ઘણી વાર બધું વિચાર્યા મુજબ નથી થતું હોતું! વાપી બધાનું ભારપૂર્વક મંતવ્ય હતું કે ઘરના મૂળ ધણી(શ્રીમતીજી) વગર ઘરનો સમાન ફેરવવો તથા ગોઠવવો યોગ્ય નહિ રહે. એટલે પછી તાબડતોબ રવિવારે જ અમે ત્રણ જણા પુનાની અણધારી મુસાફરી એ  નીકળી પડ્યા. આમ તો પુના-વાપી દર અઠવાડીએ બસ દ્વારા ચાલુ જ હોય છે. ગાડીમાં પણ મુસાફર તરીકે બે-ત્રણ વાર વાપી-પુના-વાપી કરેલ છે. જાતે ચલાવીને આ પહેલી જ વાર હતું. મૂળ જોખમ તો ભૂલા પડ્યા વગર મુંબઈ ને બાયપાસ કરવાનું હતું. સવારે લગભગ ૧૦:૩૦ વાગે નીકળ્યા અને સાંજે લગભગ ૪:૩૦ વાગે હેમખેમ પહોંચી ગયા.

*** ગુજરાત થી પુના જતી વખતે ભૂલા પડ્યા વગર મુંબઈ કેમ બાયપાસ કરવું તેના વિષે વિગતમાં પછી ક્યારેક.

૨૩-૦૨-૨૦૧૩, શનિવાર: છેલ્લા પાંચ દિવસમાં બને તેટલો સમાન પેક કરી રાખવામાં આવ્યો હતો. ૧૧:૦૦ થી ૧૬:૩૦ની વચ્ચે સમાન ફેરવવાનું મહાકાર્ય સંપન્ન કરવામાં આવ્યું. હવે આવનારા પાંચ દિવસ બધો સમાન યોગ્ય રીતે ગોઠવવામાં પસાર થવાના છે. બીજી માર્ચે જુનીઅરની રસીની તારીખ હોવાથી પાછા વાપી પહોંચવાનું હતું.

૨૭-૦૨-૨૦૧, બુધવાર: વાપીથી બાપુનો ફોન આવ્યો કે તેઓ બંને પણ એક દિવસ માટે પુના આવવા માટે આજે નીકળશે. અને પરમ દીવસે એટલે કે ૧લિ માર્ચે અમે બધા સાથે વાપી પાછા જઈશું.

૨૮-૦૨-૨૦૧૩, ગુરુવાર: સવારે ૬ વાગ્યે બાપુ તથા મમ્મીને નાસિક-ફાટાથી તેડતો આવ્યો. જુનીઅર બા-દાદાને જોઇને બહુ રાજી થયો.

રાંચીના ખેલાડીઓને મારા તરફથી રાહ્યનો સેલ્યુટ!

હોકી ઇન્ડિયા લીગની પ્રથમ સીઝન પૂરી થઇ ગઈ છે. રાંચી રાહ્યનોએ ૨-૧ થી દિલ્હી વેવરાયડરને ફાઈનલમાં હરાવીને ખિતાબ કબજે કરી લીધો છે. બાકી બધું તો ઠીક પણ આખી સીઝનમાં એક વસ્તુ એ ધમાલ મચાવી હતી અને એ છે રાહ્યનો સેલ્યુટ!

શું છે આ રાહ્યનો સેલ્યુટ? હવે રાંચી ટીમનું નામ છે રાંચી રાહ્યનો. એટલે એ સેલ્યુટ પણ ગેંડાની જેમ જ કરે ને!

રાંચી ટીમ લોગો – ગેંડા મહારાજ સાથે.

કેમ કરવું રાહ્યનો સેલ્યુટ? આ રીતે:

રાંચી ટીમ સેલ્યુટ કરતા!

મંદિરા બેદી પણ ગેંડામય!

સેનાપતિ કપ્તાન મોરીત્ઝ ફૂર્સ્તે

કોચ ગ્રેગ ક્લાર્ક અને કપ્તાન મોરીત્ઝ ફૂર્સ્તે ની મહેનત રંગ લાવી છે. કપ્તાન મોરીત્ઝ ફૂર્સ્તે વિષે ના જાણતા હોવ તો આ વાંચી લેવા વિનતી છે.

મોરીત્ઝ જર્મન ખેલાડી છે. ભડના દીકરાએ સતત બે વખત જર્મનીને ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડેલ અપાવ્યો છે. (આજે પણ હોકી ખેલાડીની કીમત ઓલિમ્પિક્સના અનુભવ પરથી જ થાય છે.) હોકીમાં ઓસ્ટ્રલિયા (મારા બેટા કાંગારું બધી રમતમાં આગળ હોય છે.) અને નેધરલેન્ડ્સના એકચક્રી શાસનને સફળતાથી તોડીને જર્મનીને હોકીમાં એક નવી ઉચાઇ પર લઇ જવાનો યશ તેને ફાળે જાય છે. બીજું કઈ નહિ તો મનદીપસિંહ જેવા ટેણીયા પણ તેની સંગતમાં દસ-દસ ગોલ ફટકારી ગયા.

ફાઈનલ મેચની ટુંકી રજૂઆત આ રહી:

લીગથી ભારતીય હોકીને ઘણા ફાયદા થયા છે:

૧. મનદીપ જેવા જુવાનીયાને પોતાની રમત દેખાડવાનો મોકો મળ્યો. સંદીપસિંહ જેવા આળસુ ખેલાડીઓ ને પણ સંદેશો મળી ગયો કે હવે મહેનત કરો નહીતર ઘર ભેગા થવું પડશે.

૨. ઓક્શન ના દિવસથી જ એ સાબિત થઇ ગયું હતું કે રઘુનાથસિંહ એ આવનાર દિવસોમાં ભારતીય હોકીનો હુકમનો એક્કો બનશે અને તેણે જોરદાર રમત પણ દેખાડી.

૩. રીઓ ૨૦૧૬ માટે ભારતને ઓછામાં ઓછા ૪૮ ઉચ્ચતમ ખેલાડી પસંદગી માટે મળી રેહશે. (આવનાર ઓલિમ્પિક્સ સામ્બાલેન્ડ બ્રાઝિલમાં છે)

હવે થોડીક ફરિયાદો:

૧. મૂળભૂત રીતે ૮ ટીમની આ સ્પર્ધા માત્ર ૫ ટીમ વચ્ચે જ રમાઈ. કારણ બાકીની ૩ ટીમ ખરીદવા કોઈ આગળ જ ના આવ્યું! (જરા જાહેરાત કરો જોઈ આઈ.પી.એલમાં હજુ એક ટીમ વેચાઈ શકે તેમ છે અને જુઓ કેટલા બધા મેદાનમાં આવે છે.)

૨. સવા અબજમાંથી દેશની રાષ્ટ્રીય રમતની લીગને માત્ર સવા બે કરોડ લોકોએ ટીવી ઉપર નિહાળી. (જોકે હમણાં આર.ટી.આઈ. ના માધ્યમ થી ખબર પડી કે હોકી ભારતની રાષ્ટ્રીય રમત છેજ નહિ!)

૩. ભારતીયોને  રમત કરતા રમતવીર ને વધારે મહત્વ આપવાની ટેવ છે. (કોઈ ને રમતના ભગવાન બનાવી દેવા વગેરે…) હોકી માં આ બધું થવું અશક્ય છે. હોકી એટલે જવાન લોહીની ધડબડાટી બોલાવતી રમત. અને હોકી ખેલાડીની કારકિર્દી(જવાની) બહુ ટુંકી હોય છે. અહિયા ઘરડા ખેલાડી નથી ચલાવી લેવાતા. એટલે જ કોઈ સુપરસ્ટાર કે માસ્ટર-બ્લાસ્ટર નથી હોતા. હમેશા રમત રમતવીર કરતા આગળ રહે છે.

નોંધ ૧: આશા છે કે આવતા વર્ષે પૂના અને અમદાવાદ પાસે હોકીની એક ટીમ હશે, જેનાથી જીવંત હોકી જોવાની સગવડ ઘર આંગણે થઇ શકે.

નોંધ ૨: સગવડીયો ધરમ હમેશા ન ચાલે. પૂના અને અમદાવાદને ટીમ ના મળે તો કઈ નહિ, રાંચીના જંગલમાં ગેંડા બની હોકી જોશું.

ઘટનાક્રમ – જાન્યુઆરી ૨૦૧૩

+ વધુ એક ૩૧મી ડીસેમ્બર ઘરનાઓ વગર જ ગઈ. બધા વાપીમાં જ હતા.
+ વધુ એક ૩૧મી ડીસેમ્બરે સુમિત પાંડેનો લ્હાવો મળ્યો. હું ને સુમિત સાંજે લગભગ ૮ વાગ્યે તેની ઓફિસે મળ્યા. લગભગ કલાકેક વિચાર્યું કે ક્યાં જવું? અને છેલ્લે કંઈ નક્કી ના થતા અમે સમુદ્ર ગયા. ૨૦૦૬ થી ૨૦૦૮ સુધી સમુદ્ર અમારો ઓથોરાઇઝડ અડ્ડો હતું. ઘણી બધી જૂની યાદો તાજી કરી.

+ પાકિસ્તાને ફરી સરહદે કાંકરીચાળો કર્યો અને બે જવાનોનો ભોગ લીધો. એક નું તો માથું ધડથી અલગ કરી નાખ્યું. ઘણો ઉહાપોહ થયો. આ બધા માં હોકી ઇન્ડિયા લીગ અડફેટે ચડી ગઈ. શિવસેના અને બીજા રાજકીય પક્ષોએ પાકિસ્તાની હોકી ખેલાડીઓનો બહિષ્કાર કર્યો. છેવટે ભારત અને પાકિસ્તાન ના હોકી સંઘોએ પાકિસ્તાની ખેલાડી ને હાલની સીઝન પૂરતા પાછા મોકલવાનું નક્કી કર્યું.

+ ૧૯-૦૧-૨૦૧૩: જુનીઅરને રસી આપવામાં આવી. PCV તથા RotaVirus. હવે આગલી તારીખ ૨જી માર્ચ છે.

+ ૨૨-૦૧-૨૦૧૩: આખરે બિલ્ડરે ફલેટનો કબજો આપી દીધો. હવે રસોડાનું કામ જલ્દીથી પતાવવાનું છે.

+ ૨૭-૦૧-૨૦૧૩: ઘણા વખત પછી આજે ઓફીસ સીટીબસ(PMPML)માં  ગયો.  જૂની ઓફીસ વખતે નિયમિત રીતે સિટીબસનો ઉપયોગ કરવામાં આવતો. અત્યારે તો અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વખત સિટીબસમાં ઓફીસ જવાનો પ્રયત્ન ચાલુ છે. (અને હા PMPML ની હાલતમાં કોઈ સુધારો નથી થયો)

Pune Mahanagar Parivahan Mahamandal Limited

+ ૨૯-૦૧-૨૦૧૩: છઠ્ઠા મહિના ના પ્રથમ દિવસે જ જુનીઅરને અન્નબોટણ કરાવવામાં આવ્યું. પારડીમાં રોજ બપોરે જયારે બધા જમવા બેસે ત્યારે જુનીઅરને પણ બાજુમાં જ સુવડાવવામાં આવે. હવેથી જાત-ભાતની વાનગીઓ બધાને ખાતા જોઈ તેના ”મારે પણ ખાવું છે” ના ઈશારાનો જવાબ અપાશે. :)